-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા
-:સાખી:-
એક અનાદિ અનંત હું, અન્ય અનાદિ સાંત;
શંકર ! સ્વરૂપાનંદમાં, રહે ન કંઈ કલ્પાંત.
-:ભજન:-
એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત રે...
કાયા સાથે ન કાંઈ લાગતું, મને ભજે મોટા સંત રે,
આજે તેં મેં મને ઓળખ્યો - ટેક
સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય રે...
નામ કે રૂપ તણી કલ્પના, કદી મારામાં ન થાય રે,
આજે તેં મેં મને ઓળખ્યો - એક
મન બુદ્ધિના પર મહાલતો રે, હું તો કાળનોય કાળ રે...
છોગાં મેલી ફરું ત્રિલોકમાં, વાંકો થાય નહીં વાળ રે,
આજે તેં મેં મને ઓળખ્યો - એક
અંધારું જાય ન ઊલેચતાં રે, ભલે કોટિ યુગ જાય રે..
રાહ જોવા ન એ ઊભું રહે, જ્યારે દીવલડો થાય રે,
આજે તેં મેં મને ઓળખ્યો - એક
આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું બ્રહ્મજ્ઞાન રે...
શંકર સમાધિમાં લીન છે, લાગ્યું આતમાનું તાન રે,
આજે તેં મેં મને ઓળખ્યો - એક

No comments:
Post a Comment